તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

. . .

- આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

- ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

- અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે, જેની શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજા કરતાં હોય છે !!!

- ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી અને આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

- હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

- ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

- રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

- આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

. .

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે.

. .

*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને જાહેરમાં મુકી નહોતી. (કદાચ ત્યારે કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

સુખદ સરકારી અનુભવ

. . .

- બે દિવસ પહેલા એક સરકારી ઑફિસમાં સુખદ આંચકો આપે એવો અનુભવ થયો. (સરકારી અનુભવ મોટેભાગે દુઃખદ હોય છે અને એટલે જ ટાઇટલમાં જ ‘સુખદ’ ઉમેરી દેવું મુનાસિબ લાગ્યું.)

- બન્યું એવું કે….એક સરકારી ઓફિસમાં કોઇ સરકારી કર્મચારીએ કોઇ લાલચ/દબાણ વગર ઘણું અગત્યનું કામ ખુબ ઝડપથી અને એ પણ પુર્ણ સહકાર સાથે કરી આપ્યું કે જેને માટે લગભગ ૩-૪ ધક્કા તો ખાવા જ પડયા હોત !!

- આ ઉપરાંત અન્ય જગ્યાએ કરવાની અરજીને મારી માટે જાતે લખીને અને તે માટે જરૂરી પણ તે સમયે મારી પાસે ખુટતા કાગળો માટે મને ઘરે ધક્કો ખવડાવ્યા વગર જુની સરકારી ફાઇલો ફેંદીને શોધી આપ્યા !!!

- હા, એ સરકારી માણસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પગારદાર કર્મચારી છે !! અને આ અમારી પ્રથમ મુલાકાત હતી. (મારી માટે તો આ સૌથી આશ્ચર્યજનક બાબત છે !!)

- કામ તો ઘણાં અધિકારીઓ કે ઓફિસરો કરી આપતા હોય છે પણ તે માટે અગાઉથી (કે પછી) નક્કી થયેલ વળતર ચુકવવાનું રહેતું હોય છે. (આ વળતર વિશે વધુ ચોખવટની જરૂર નથી લાગતી.)

- વિચારતો હતો કે કામ પત્યા પછી તો તો તે ઓફિસર કંઇક માગણી કરશે જ, પણ…. મારા આશ્ચર્યને વધુ વધારવાનું નક્કી કરેલ તે સાહેબે છેલ્લે તેમનો પર્સનલ મોબાઇલ નંબર આપીને મને કહ્યુ કે – ‘બીજી ઓફિસમાં કોઇ તકલીફ પડે તો મને ફોન કરજે.’ (હવે તો મને ખરેખર તેમને બક્ષિસરૂપે કંઇક આપવાની ઇચ્છા થઇ આવી.)

- હવે સમસ્યા એ થઇ આવી કે… જો હું સામેથી ખુશ થઇને કંઇ આપુ અને તેમને ન ગમે તો…. (?) અને જો તેમને કંઇ આપુ અને તેઓ સ્વીકારી લે તો મારા પેલા નિયમનું શું (?)…જેમાં મે મારી જાતને પ્રોમિસ કર્યું હતુ કે હું કોઇ પણ ભોગે કોઇ સરકારી જગ્યાએ કાયદેસર ચુકવવાની રકમ સિવાય એક પૈસો પણ નહી ચુકવું. (એક તરફ મારો નિયમ હતો અને બીજી તરફ પેલા ઓફિસર માટે દિલમાં ભાવ.)

- સરવાળે જીત નિયમની થઇ. તેમની માટે મને મારો નિયમ તોડવો યોગ્ય ન લાગ્યો. (આમ પણ, નાગરીકોને મદદ કરવા માટે જ તો અ.મ્યુ.કો. તેમને પગાર ચુકવે છે.- એમ કહીને મન મનાવ્યું.)

- અન્નાના ‘જન-લોકપાલ’ આંદોલનનું જે થાય તે અને ‘લોકપાલ’ આવે કે ન આવે પણ જો સરકારી માણસો (અને મારા-તમારા જેવા લોકો) થોડા સુધરે તો ભ્રષ્ટાચાર અટકાવવા માટે નવા કાયદાઓના ઢગલા ખડકવાની કોઇ જરૂર ન રહે.

. . .

વણમાંગી સલાહ…

. . .

આજની વણમાંગી સલાહ..

. .

” જીવનમાં જેટલા સલાહકારો ઓછા રાખશો એટલા જલ્દી આગળ વધશો. “

. .

.

- “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદની વણમાંગી સલાહ” માંથી..

. . .

Click Darshit Click !!

. . .

- અગાઉની એક સિરીયસ પોસ્ટ પછી આજે થોડી મસ્તીભરી વાત…

- આજે એક નવું ગતકડું શરૂ કર્યું છે. જ્યાં-ત્યાં, જે-તે ફોટો ક્લિક કર્યા કરવાની બુરી આદતને આગળ વધારવા માટે (!!) નવું ફેસબુક પેજ બનાવ્યું છે. : “ક્લિક દર્શિત ક્લિક” — “Click Darshit Click

- ફેસબુક પેજ અહી જુઓ : https://www.facebook.com/clickdarshitclick

- ત્યાં અત્યારે જે ફોટો અપલોડ કર્યા હતા તે અહી પણ કરી દઉ.. (મારી આડી-અવળી-નક્કામી ક્લિકસ ના સૅમ્પલ !!!)

India Gate, New Delhi.
Taj Mahal, Agra, India.
Taj Mahal, Agra, India.
Agra Fort, India.
Agra Fort, India.
Agra Fort, India.
Agra Fort, India.
Rohtang, Manali, India.

Rohtang, Manali, India.

- બીજા પણ ઘણાં ફોટો જાહેરમાં મુકવા છે પણ તે પહેલા કેટલીક તૈયારી કરવી પડશે એવું લાગે છે.

- આમ તો આ એક જ જગ્યા ઠીક છે પણ આ જગ્યાનો હેતુ મારા વિચારો અને અનુભવોની નોંધ માટે થાય છે જ્યારે ફોટો મુકવાનો હેતુ ફોટોગ્રાફીના શોખને વિસ્તારવાનો છે. એટલે થોડો હેતુફેર હોવાથી કન્ફ્યુઝન છે.

- આજે પહેલીવાર કોઇ બ્લૉગ & ફોટો એક્ષ્પર્ટના સુચનની જરૂર પડી છે..  સવાલ એ છે કે શું આવા ફોટો માટે અલગ બ્લૉગ બનાવવો જોઇએ ? શું બધુ અહીં જ સમાવવું ઠીક રહેશે..? આપના સુચનો કે સલાહથી કંઇક મદદ મળી શકે એમ છે.

. . .

થોડી ફિલસુફી, મનની સાફસુફી..

. . .

- આજે ન જાણે કોણ ચઢ્યું’તુ મારા બગીચાના ઉંબરે.. જેણે ‘મારા બગીચા’માં શાયદ એકાદ વેલાને છોડીને બીજા દરેક વૃક્ષો અને છોડવાઓનો પુરેપુરો અભ્યાસ કર્યો છે !!! (જયારે જયારે આવા આક્સ્મિક મુલાકાતીઓ આવે ત્યારે કાં તો કોઇ ઉંડી શંકા ઉભી થાય છે અથવા તો કોઇ મજાનો દોસ્ત મળી જાય છે !!)

- આજકાલ ઇમેલ/ફેસબુક મેસેજથી કેટલાક લોકો સાથે અંગત વાતચીત પણ થતી રહે છે, જે લોકોને મારી વાતો ગમે છે અને તે સૌ સજ્જનો નો જાહેર આભાર પણ માનુ છું. (જો કે મારી મોટાભાગની વાતો નિજાનંદ હેતુ જ હોય છે તો પણ કોઇ તેને ગમાડે એટલે અનેરો આનંદ થાય.)

- અત્યાર સુધી અજાણ્યા લોકો માટે હું લગબંધ બંધ રહ્યો છું પરંતુ હવે ખુલ્લા બનવાનો પ્રયત્ન છે. બ્લૉગમિત્રોમાંથી આજસુધી માત્ર એક વ્યક્તિને રૂબરુ મળ્યો છું. હા, એક અન્ય મિત્રને પણ મળ્યો છું, પણ તેઓ હવે થોડા અંગત લોકોમાં ગણાય છે. (આ એ મિત્ર છે, જે ચાહે તો મારી વિરુધ્ધ કંઇ પણ કરી શકે છે પણ તે કંઇ નહી કરે તેનો વિશ્વાસ પણ એટલો જ છે.)

- વિશ્વાસ ઘણી મોટી ચીજ હોય છે અને એ જ વિશ્વાસથી અંતર્મુખી સ્વભાવ છતાં હવે ધીરેધીરે અજાણ્યા લોકો તરફ પણ હું વિશ્વાસ ધરાવતો બન્યો છું. કોઇએ કયારેક કહ્યુ’તુ કે સામાન્ય રીતે લોકો એટલા ખરાબ નથી હોતા કે તેમની સાથે થોડી દોસ્તી પણ ન કરી શકાય. (કોઇકે કયારેક વિશ્વાસઘાત કર્યો હોય એ તો હવે નાની સી વાત લાગે છે જેને સહેલાઇથી માફ પણ કરી શકુ છું.)

- જેમને મે ભુતકાળમાં મારો સંપર્ક કે વધુ ઓળખાણ ન આપવાની બાબતે નારાજ કરેલા છે તે લોકોની આજે માફી માંગુ છું. શરૂઆતના સમયે નક્કી કર્યું હતુ કે કોઇને અંગત જીવનમાં નહી પ્રવેશવા દઉ પણ હવે તે નિયમમાં હળવો સુધારો કરવાનો વિચાર છે. (આ વિચાર હજુ વિચારણા હેઠળ છે.)

- કેટલાક ઉત્સાહી લોકોના મતે હું કોઇ લેખક બનવાના, કવિ બનવાના, બ્લૉગર બનવાના વગેરે વગેરે ગુણ ધરાવુ છું. (કોઇ ખોટુ ન લગાડતા..પ્લીઝ) પણ..અત્યારે તો હું એક સારો માણસ બની રહેવા ઇચ્છું છું. (અને તે એક ગુણ થોડો પણ મેળવી લઉ તોયે ઘણું છે.)

- જીવનમાં ચિંતા કે સમસ્યાને કયારેય જાત પર હાવી થવા દીધી નથી કેમકે બને ત્યાં સુધી દરેક બાબતે સલામતી પહેલા ચકાસી લઉ છું. કોઇ આપણને મળીને ખુશ થાય એ જ આપણાં જીવનની મોટી મુડી છે. (જીંદાદિલ માણસ હોવું અને કાયમી તેવા બની રહેવું મુશ્કેલ હોય છે તો પણ પ્રયત્ન તો એ જ રહેશે.)

- એક બાબતે આજે જાત પર ગર્વ છે કે જેને મારો દુશ્મન કહી શકું એવો કોઇ માણસ મારા જીવનમાં નથી, બસ ચારે તરફ માત્ર દોસ્તો અને કુટુંબીઓ છે. (સાંભળ્યુ’તુ કે – ‘જીવનમાં આગળ વધવા માટે દુશ્મનો હોવા જરૂરી છે’ – પણ તેમાં હું અપવાદરૂપ છું !! છતાં આગળ વધી રહ્યો છું..)

- આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. (કોઇ અણધાર્યા વિધ્નો હવે મને વિચલિત નથી કરી શકતા જેને હું મારી આંતરિક સફળતા ગણી શકું.)

- કોઇ સાથે નથી.. તો હું ખુશ છું અને કોઇ સાથે હોય.. તો ઘણો ખુશ છું, હવે કોઇએ સાથ નિભાવવો કે નહી તે સામેવાળાની સમસ્યા હોય છે. આશા એ છે કે જીવનમાં અત્યારે છે એટલા લોકો તો મારો સાથ નહી જ છોડે અને જો કોઇ છોડી દેશે તો તેનો ડર પણ નથી લાગતો… (આ કોઇ સાધુ બનવાના ગુણ નથી, હું એક સંપુર્ણ સંસારી માણસ છું અને એ જ રહીશ.)

- કેમ જાણે આજે ફિલસુફીભરી વાતો લખવાનો મુડ થઇ આવ્યો હતો એટલે થયું કે આજે પોતાની જાત વિશે કંઇક અધ્યઅન કરી, તેની નોંધ કરી લઉ. (કદાચ અત્યારે એક એવું પુસ્તક વાંચી રહ્યો છું એટલે આવી લાગણીઓ જન્મી હોઇ શકે.)

- ઇશ્વર સૌને સલામત રાખે. ખુશ રહો..

- ॥ અસ્તુ ॥

. . .